ઓન લાઈન ગુજરાતી | ચર્ચા

 

પ્રસ્તાવિત ઑન-લાઈન ગુજરાતી અભ્યાસક્રમ – ચર્ચા માટે બીજરૂપ લખાણ અને રૂપરેખા

                                                                        અરવિંદ ભાંડારી

 

પ્રસ્તાવનાઃ-

ભાષા શીખવાની જરૂરિયાત અનેક કારણોસર ઊભી થતી હોય છે. આર્થિક, સામાજિક અને શૈક્ષણિક હેતુઓ માટે માતૃભાષા ઉપરાંત અન્ય ભાષા શીખવાની જરૂર પડે છે. ગુજરાત આર્થિક દૃષ્ટિએ જ્યારે સમૃદ્ધ થઈ રહ્યું છે ત્યારે દેશમાં વસતી અને વિદેશમાં વસતી અનેક વ્યક્તિઓની નજર વેપારને કારણે ગુજરાત તરફ વળી રહી છે. જેમ ગુજરાતીઓને અન્ય રાજ્યો અને દેશોમાં જઈને ત્યાંની ભાષા શીખવી પડે છે તેમ જે લોકો ગુજરાતમાં આવી વેપાર અને વ્યવસાય કરવા માગે છે અને વસવાટ કરવા માગે છે એમને માટે ગુજરાતી જાણવી જરૂરી બની રહી છે. તેઓ જો પોતાને અનુકૂળ સમયમાં ગુજરાતી શીખવા માગતાં હોય તો તેઓ જ્યાં છે ત્યાં રહીને પણ ગુજરાતી શીખી શકે એવી વ્યવસ્થા હોવી જરૂરી છે.  

 

ગુજરાતની સરકાર જ્યારે પ્રવાસનનો વિકાસ સાધી રહી છે ત્યારે ગુજરાતમાં આવતા લોકોને માટે પણ ગુજરાતીની ઓળખ જરૂરી બની રહે છે. પ્રવાસીઓ માટે ઓળખાણ અને અવગમન માટે ખપ પૂરતી ગુજરાતી ભાષા શીખવાની વ્યવસ્થા ઊભી કરવી આવશ્યક છે.

 

અનેક ગુજરાતીઓ અન્ય રાજ્યો અને દેશોમાં સ્થાયી વસવાટ કરે છે અને એમની બીજી કે ત્રીજી પેઢી એમની ભાષાથી વંચિત રહે છે. આવી વ્યક્તિઓ જો પોતાના સંસ્કારોના જતન માટે;પોતાની સંસ્કૃતિના જતન માટે ગુજરાતી શીખવા માગતી હોય તો એમને માટે ગુજરાતી શીખવાની વ્યવસ્થા હોવી ઘટે.

 

અનેક વિદેશી સંશોધકો ગુજરાતમાં આવીને ગુજરાતને ધ્યાનમાં રાખીને સંશોધનો કરતાં હોય છે. આવી વ્યક્તિઓ માટે ગુજરાતી શીખવી આવશ્યક બને છે. એમને માટે પણ તેઓ ગુજરાતમાં આવે તે પહેલાં કે આવ્યા બાદ ટૂંકા ગાળામાં ગુજરાતી શીખવા માગતી હોય તો એની પણ વ્યવસ્થા હોવી જોઈએ.

 

આ બધાનો ઉકેલ આજે આપણી પાસે ઉપલબ્ધ અદ્યતન સાધનો દ્વારા લાવી શકાય છે. તેથી ઇન્ટરનેટ જેવા સશક્ત માધ્યમનો સાથ લઈને ગુજરાતી ભાષાનું શિક્ષણ આપવાની વ્યવસ્થા કરી શકાય છે.

 

  

લક્ષ્ય વ્યક્તિઓઃ-

ગુજરાત બહાર, દેશમાં તેમજ વિદેશમાં વસતી ગુજરાતી શીખવા માગતી વ્યક્તિઓ.


લક્ષ્ય કૌશલ્યોઃ-

શ્રવણ, વાચન, કથન અને લેખન અને શક્ય હોય તો ભાષાંતર. દરેક વ્યક્તિ આમ તો અલગ અલગ કૌશલ્યો માટે ગુજરાતી શીખવા માગે એ શક્ય છે. તેમજ, ગુજરાતીના વિવિધ સ્વરૂપોમાંથી કોઈ એક સ્વરૂપ તરફ એમનું લક્ષ્ય હોય એવું પણ શક્ય છે. પરંતુ, કોઈ પણ વ્યક્તિ ગુજરાતી શીખવા માગતી હોય તો એને પાયાની ભાષાનું શિક્ષણ મળી રહે અને એને જરૂર હોય તેમ સ્વ-શિક્ષણ માટેનુ માર્ગદર્શન મળી રહે તેવી વ્યવસ્થા શક્ય છે. જેમકે, વિદેશમાં વસતી વ્યક્તિઓ અમુક તબક્કે ગુજરાતી સાહિત્ય વાંચવા અને માણવા માગતી હોય કે પછી કોઈ ધાર્મિક બાબતો તરફ વધારે જાણકારી મેળવવા માગતી હોય તો તેને એનું માર્ગદર્શન મળી રહે તેવી વ્યવસ્થા કરી શકાય છે. જરૂરી પુસ્તકો પણ ઇન્ટરનેટના માધ્યમ થકી ઉપલબ્ધ કરી શકાય છે.

 

શીખનારની જરૂર આધારિત વિવિધ અભ્યાસક્રમો ગોઠવી શકાય.

        1) પ્રવાસીઓ માટે માત્ર 20કલાકનો ગુજરાતી ભાષા ઓળખનો અભ્યાસક્રમ

                અ) પાયાની જરૂરિયાતો કેવી રીતે કહેવી.

                 બ) માહિતી પૂછવા માટે કેવા પ્રકારના સવાલો પૂછવા અને જવાબો સમજવા.

                ક) શું કરવું અને શું ન કરવું.

                ડ) ગુજરાતની સામાન્ય ઓળખ – ભૂગોળ, સાસ્કૃતિક બાબતો.

                ચ) ગુજરાતી લિપિનો પરિચય અને વાચન.

                 છ) કેટલાક પ્રશ્નો મોબાઈલ પર આપી શકાય જે રેકર્ડ કરેલા હોય.

                જ) ઉપયોગી નાનો શબ્દકોશ

 

        2) કેવળ વાંચતાં શીખવા ઇચ્છતા માટેનો 60 કલાકનો અભ્યાસક્રમ.

                અ) ગુજરાતી લિપિ અને શબ્દોનો પરિચય.

                બ) વાક્યો અને ફકરાઓનું વાચન.

                ક) છાપાં, નિબંધો, સાહિત્યમાંથી ફકરાઓનું વાંચન.

                ડ) જરૂરી વ્યાકરણ અને શબ્દકોશ.

 

        3) કેવળ બોલતા શીખવા ઇચ્છતા માટેને 60 કલાકનો અભ્યાસક્રમ.

                અ) શ્રવણ માટેની સામગ્રી.

                બ) ઉપયોગી શબ્દો અને એમના દ્વારા વાક્યો રચીને બોલવાનો અભ્યાસ.

                ક) સંવાદનો મહાવરો.

                ડ) લિપિનો પરિચય. ઉચ્ચારણ અને લિપિ વચ્ચેના અંતરની સમજણ.-

 

        4) બધાં કૌશલ્યોને સમાવતો 100 કલાકનો અભ્યાસક્રમ.

                અ) શ્રવણથી શરૂ કરીને બોલવા સુધી

                બ) શબ્દવાંચનથી શરૂ કરી ફકરા વાંચન સુધી

                ક) બન્ને માધ્યમો દ્વારા સમજવાનો અને બોલવાનો મહાવરો.

                ડ) બધા કૌશલ્યો સમાવી શકાય એવા વિવિધ અભ્યાસો.

                ડ) પાયાનું વ્યાકરણ અને શબ્દકોશ જોવાનો અભ્યાસ

                ચ) ગુજરાતી સાહિત્ય અને સંસ્કૃતિનો પરિચય આપતી સામગ્રી.

                છ) શીખનારની જરૂર મુજબ વધારાની સામગ્રી જેવી કે, ધાર્મિક/સામાજિક/સાહિત્યિક.

 

         પ્રથમ પ્રકારનો, ઓળખનો અભ્યાસક્રમ, ઇન્ટરનેટ પર મૂલ્યરહિત અને પરીક્ષા વિનાનો ઉપલબ્ધ કરવો જોઈએ. બાકીના બધા અભ્યાસક્રમોની ફી અને પરીક્ષા રાખવામાં આવે અને ઉત્તીર્ણ થનારને પ્રમાણપત્રની જોગવાઈ કરવી જોઈએ. પ્રથમ પ્રકારના અભ્યાસક્રમને બાદ કરતાં બાકીના બધા અભ્યાસક્રમોમાં સમયાંતરે તજ્જ્ઞોના સંપર્કની વ્યવસ્થા ગોઠવી શકાય તેમજ શીખનારની મુશ્કેલીઓ/પ્રશ્નોના ઉકેલની જોગવાઈ પણ આવશ્યક બને.

 

આ અભ્યાસક્રમ તૈયાર કરવા માટે એક જૂથની જરૂર રહેશે જેમાં નીચેની વ્યક્તિઓનો સમાવેશ કરવાનો રહેશેઃ-

        1) આ અભ્યાસક્રમના નિયામક (માનદ)

2) આ અભ્યાસક્રમના વ્યવસ્થાપક જે કોર્સનું સતત મોનિટરિંગ કરશે અને સીધા સંપર્કની ગોઠવણ કરશે. (આ વ્યક્તિ પગારદાર રહેશે. આ વ્યક્તિ પાર્ટ-ટાઈમ કામગીરી કરશે)

3) સલાહકારો :- ગુજરાતી ભાષાના જાણકાર ભાષાશાસ્ત્રી, કેળવણીકાર, સાહિત્યકાર, ભાષાના શિક્ષક, સામાજિક ક્ષેત્રની અગ્રેસર વ્યક્તિઓ.

4) કંપ્યૂટરની જાણકાર વ્યક્તિ જે આ કોર્સને કંપ્યૂટર-અનુરૂપ બનાવવામાં, જરૂરી સૉફ્ટવેર બનાવવામાં અને આ કોર્સને વેબસાઇટ પર મૂકવાની કામગીરી કરશે. તેમજ કોર્સના વ્યવસ્થાપકને કોર્સ દરમિયાન મદદ પણ કરશે.

5) કચેરીમાં મદદનીશ (જે આવતા ઇમેઈલ, ફી-કલેકશન, પત્રવ્યવહારની તેમજ વ્યવસ્થાપકને મદદની કામગીરી કરશે. ( આ વ્યક્તિ પગારદાર રહેશે)

 

આ અભ્યાસક્રમ તૈયાર કરવા માટે એક જૂથની રચના કરવાની રહેશે, જેમાં ભાષાશાસ્ત્રી, શિક્ષણશાસ્ત્રી (ભાષા શિક્ષણનો અનુભવ ધરાવનાર), વ્યવસ્થાપક (ભાષા-શિક્ષણની જાણકાર) રહેશે.


વધુ માહિતી માટે વેબસાઈટમાં પર જાવ - http://www.gujarationline.org/index.php

 

The Forum post is edited by માતૃભાષા અભિયાન Mar 10 '17
socialsharing+share