મેઘધનુષના હીંચકા પર ઝૂલીએ

(બાલસાહિત્ય અકાદમીના અધિવેશનમાં ડૉ. કુમારપાલ દેસાઇએ આપેલું અધ્યક્ષીય પ્રવચન- સૌજન્ય બાલસાહિત્ય અકાદમી, પાલડી, અમદાવાદ.)    

જુદાં જુદાં સાહિત્યસ્વરૂપમાં ખેડાણ કરતા સર્જકને માટે સૌથી વધુ પડકારરૂપ કોઈ સ્વરૂપ હોય તો તે બાળસાહિત્યનું છે. અતિ વેગથી બદલાતા પરિપ્રેક્ષ્યમાં અને ટૅકનોલોજીમાં વખતોવખત આવતાં પરિવર્તનને કારણે બાળસાહિત્યમાં વિચારો, ભાવનાઓ, મૂલ્યો અને પ્રસ્તુતિ - એ સઘળી બાબતમાં સતત સમૂળી ક્રાંતિ થઈ રહી છે. ટેકનોલોજીના પરિવર્તનની તત્કાળ અસર એના સ્વરૂપ પર થાય છે. બાળસાહિત્યના સર્જકને માટે સૌથી મોટો પડકાર છે એ કે એ પોતાના સમયના બાળકને ભૂલીને આજના સમયના બાળકનો વિચાર કરે. એમાં પણ હવે જ્યારે આખા જગતમાં વૈશ્વિકનો વાયરો વાઈ રહ્યો છે, ત્યારે બાળસાહિત્યમાં હવે વૈશ્વિક સમસ્યાઓનું આલેખન મહત્ત્વનું બન્યું છે.

એકલતા, કૌટુંબિક હૂંફનો અભાવ, વ્યવસાય કરતાં માતાપિતાની બાળકો પર વધુ સમય ધ્યાન આપવાની અશક્તિ, દાદાદાદીને મળેલો ઘેરવટ જેવી બાબતોએ બાળમાનસને વધુને વધુ સંકીર્ણ બનાવ્યું છે. એક પ્રકારનું એકલવાયાપણું એના ચિત્તને સતત કોરી ખાતું હોય છે અને એ બધામાં અભ્યાસના અતિ ભારથી અને ઉજજવળ કારકિર્દીની માતાપિતાની તીવ્ર ખેવનાથી ગ્રસિત ચિત્તને આસપાસની દુનિયાનો કોઈ જીવંત, ધબકતો, ઊછળતો કૂદતો અનુભવ નથી મોબાઈલ એ જ એનો અભિન્ન મિત્ર અને એનું આખુંય વિશ્વ. -

વર્તમાન સમયના બાળસાહિત્યના સર્જકનું કાર્ય બાળકના વિસ્મય અને મુગ્ધતાના તત્ત્વની માવજત કરવાનું છે. બાળસાહિત્યના વિષયનું પરિવર્તન આવ્યું છે. પહેલાં અમુક ખાસિયતો દર્શાવવા માજે જુદીજુદી કોમને દર્શાવવામાં આવતી હતી, જેમ એ બ્રાહ્મણ પાત્ર પંડિત કે યાચક હોય, વાણિયો ચતુર કે ભીરુ હોય અથવા તો રજપૂત બહાદુર હોય. હવે જાતિ કે કોમ સાથે જોડાયેલાં આ પાત્રોનાં આલેખન અર્થ વિનાનાં બની ગયાં છે. ધર્મના વાતાવરણને બદલે બાળપણ એ જ ધર્મ બની ગયો છે.

વિષયની દષ્ટિએ જોઈએ તો પર્યાવરણ વિશે આવેલી વૈશ્વિક જાગૃતિને કારણે અગાઉ કરતાં હવે પશુ-પક્ષીઓનાં કથાનકો વધુ મળે છે અને એથીય વિશેષ પશુપક્ષીના જીવન અંગે તથા એમની રહેણીકરણી આજનો બાળસાહિત્યનો સર્જક ઊંડાણથી વિચારતો થયો છે. ધીરે ધીરે મલ્ટિકલ્ચરલ અભિગમ પણ વ્યાપક થવા લાગ્યો છે અને સમગ્ર વિશ્વનાં બાળકોને લક્ષમાં રાખીને એમની કલ્પનાશીલતાની સાથે સર્જનાત્મક શક્યતાઓ વધી રહી છે. એક પ્રકારનીક્રોસકલ્ચરલ અવેરનેસ આવી રહી છે. વિશ્વનું બાળક હવે પ્રકૃતિને પણ કોઈ જુદી નજરે જુએ છે. એને આફ્રિકાનો તીખા તાપવાળો સૂરજ રાક્ષસ લાગે છે, તો ભારતનો હૂંફાળો સૂરજ વહાલસોયો જણાય છે અને ઇંગ્લેન્ડના સૂરજને માટે એ બાળક કોઈ મમ્મીની રાહ જોતો હોય એવી આતુર આંખે આકાશ ભણી મીટ માંડીને જુએ છે.

બાળગીતનાં પુસ્તક સાથે હવે એ એની સીડી પણ મળે છે. તાજેતરમાં માય વિલેજનામનું અકેન્ડર બેની રાઈટે લખેલું શિશુગીતોનું પુસ્તક અઢીસોથી વધુ પ્રભાવશાળી આંતરરાષ્ટ્રીય બાળપુસ્તકોમાં સૌથી વિશેષ પ્રસિદ્ધ બન્યું છે. આમાં એણે કોઈ એક પ્રદેશનાં કે રાષ્ટ્રનાં ગીતો સમાવ્યાં નથી. કિંતુ બાવીસ જેટલા દેશોના ગીતોનો સમાવેશ કર્યો છે. ઈરાનથી માંડીને ફ્રાંસ સુધી, આઈસલેન્ડથી તાઈવાન સુધી, ચાઈના, ટોંગો, નોર્વે, ન્યૂઝીલેન્ડ, ઝિમ્બામ્બે અને ભારતનાં શિશુગીતો નર્સરી રાઇમ્સનો સમાવેશ કર્યો છે.

આ બાવીસ દેશોનાં બાળગીતો અને એનો અનુવાદ બાળકને નવાં નવાં કલ્પનાવિશ્વનો અનુભવ કરાવે છે. આજના બાળકના ચિત્ત પર માતાપિતાની અપેક્ષાઓનો મોટો ભાર હોય છપોતાનું બાળક અભ્યાસમાં સહેજે પાછું પડે, તો માતા-પિતાને માથે વજાઘાત થાય છે. પોતાના બાળક વિશે એક મનમાં નિશ્ચિત ઢાંચો બનાવીને માતાપિતા જીવતાં હોય છે અને એમાં બાળકની જો સહેજ ભૂલ થાય, તો માતાપિતા બેચેન બની જાય છે અને પોતાની ખંડિત કલ્પનાનો ગુસ્સો બાળક પર ઠાલવે છે. એક અર્થમાં કહીએ તો બાળકને કલ્પનાશીલ કે લાગણીશીલ મનુષ્ય બનાવવાને બદલે એને અભ્યાસ કરતું રોબોટ બનાવવાની પરિસ્થિતિ ઊભી થાય છે.

 

     આને પરિણામે બાળકના ભીતરમાં રહેલી સંભાવનાઓ કે પછી એના હૃદયમાં પ્રવાહિત ભાવનાઓનો બાળક સ્વયં સંહાર કરી દે છે. કોઈ બાળકને કવિતા લખવાનું કહેશો તો એ કયા વિષયપસંદ કરે છે તે જોજો. એ માત્ર પોતાની આસપાસના વાસ્તવિક જગતના વિષયો પસંદ કરશે. કલ્પનાશીલતા કે વર્ણનાત્મકતા મરી પરવારી હોય છે. સર્જક જયભિખ્ખુંની સ્મૃતિમાં ચાલતી નિબંધસ્પર્ધામાં ઘણા વિષયો આપવામાં આવે છે, પણ વિદ્યાર્થીઓ મોટે ભાગે આજની પરીક્ષાપદ્ધતિ, ટેલિવિઝનનો પ્રભાવ જેવા વિષયો પસંદ કરે છે. પ્રકૃતિ સૌંદર્યનું વર્ણન કે માનવીય લાગણીઓનું આલેખન ધરાવતા વિષયો ભાગ્યે જ કોઈ પસંદ કરે છે.

બાળકમાં રહેલી પેલી મુગ્ધતાને સંકોરવામાં આવે તો ઘણા નવા વિષયો મળી શકે છે. એના મનમાં વસેલી જાદુઈ નગરીને નિહાળીને એ કેટલાય સર્જનાત્મક વિષયો આપી શકે, જેમ કે આપણે મેઘધનુષ્ય નિહાળીને પ્રકૃતિના એ અનુપમ સૌંદર્યનો આનંદ માણીએ છીએ, તો બાળકને કહેવું જોઈએ કે આ આકાશમાં રહેલા રંગબેરંગી મેઘધનુષ્ય પર લટકીને ઝૂલવા વિશેની એક કવિતા લખે.

આપણે જંગલમાં માત્ર વૃક્ષો બતાવીએ છીએ. બાળકોને કહીએ કે આ જંગલમાં યોજાયેલા પ્રાણીઓના ફેશન શો વિશે નાટક લખો. સૂરજને ઠંડી લાગવાથી શરદી થઈ જાય કે પછી નાક અને છીંકની લડાઈ થાય, તો કોણ જીતે? એનો સંવાદ લખો. ભગવાન સ્કૂલમાં પ્રવેશ મેળવવા આવે, તો શું થાય? એ વિશે રમૂજી લેખ પણ લખી શકાય. આવી કથાઓ બાળકને પોતાની કલ્પના સંકોરવાની તક આપશે.

ચંચળતા ચપળતા અને ખડખડાટ હસતું બાળક હવે શોધવા જવું પડશે. ગોખણિયા શિક્ષણપદ્ધતિને કારણે એની સર્જનશક્તિનું કોઈ પ્રાગટય નહીં થાય. જેમ જેમ એનો અભ્યાસ વધે છે, તેમ એનું એકલવાયાપણું અને અતડાપણું વધતું જાય છે. માર્ક, પરીક્ષા, એડમિશન, અમુક વિષયમાં નબળો જેવા નાના નાના શબ્દોનો ભય એના મનમાં એટલો બધો હોય છે કે વાત ન પૂછોઆથી જ અમેરિકાના કવિ આર્થર કુડનરે પોતાના નાનકડા પુત્રને સંબોધીને એક કવિતા લખી છે.

સાંભળ દીકરા

મોટા મોટા શબ્દોથી ગભરાઈશ નહીં, ઘણા મોટા લાગતા શબ્દો સાવ નાનકડી વસ્તુનું નામ હોય છે.

અને જે ખરેખર વિશાળ છે. મોટા છે. એમનાં નામ નાનાં નાનાં હોય છે. જેમ જીવન, શાંતિ, આશા, પ્રેમ, ઘર, રાત, દિવસ...'

માતૃભાષા સંવર્ધનની સઘળી મથામણનો પાયો બાળસાહિત્યના સર્જનમાં છુપાયેલો છે અને બાળસાહિત્યકારને માટે સૌથી મોટો પડકાર આજના બાળકને વિસ્મય, મુગ્ધતા અને ચંચળતા પાછી આપવાનો છે. આને માટે સર્જકે બાળકને સમજવાની અને એની ભૂમિકાએ જવાની જરૂર છે. બાળકનાં માતા-પિતાની જેમ સર્જકે પણ એના શાસક નહીં, કિંતુ સાથી બનવું પડશે. બાળકની કુતૂહલવૃત્તિને બરકરાર રાખીને એને કલ્પનાનું નવું આકાશ આપવાની જરૂર છે.

 


socialsharing+share

The Wall

No comments
You need to sign in to comment

પોસ્ટ

Rate

Your rate:
Total: (0 rates)

Archives