બાળસાહિત્ય વિશેની વિભાવના કુમારપાળ દેસાઈ

(ડો. ઈશ્વર પરમાર લિખિત પુસ્તક‘‘ બાળસાહિત્ય : વિચાર અને વિમર્શ’’નું આમુખ  ડો. કુમારપાળ દેસાઇ અને પ્રગતિશીલ શિક્ષણના સૌજન્યથી)

છેલ્લા બે દાયકાથી ગુજરાતી બાળસાહિત્યના ક્ષેત્રમાં મૌલિક બાળવાર્તાઓથી ડૉ. ઈશ્વર પરમારે આગવું સ્થાન મેળવ્યું છે.બાળસાહિત્ય : વિચાર અને વિમર્શઆ પુસ્તકમાં સર્જકે બાળવાર્તાના લેખનની સાથોસાથ એની પ્રક્રિયા વિશે ઝીણવટપૂર્વક વિચાર કર્યો છે. બાળસાહિત્યનું સર્જન એ વિશેષ અઘરી સર્જન-પ્રક્રિયા છે, કારણ કે એના સર્જકને બાળમાનસમાં પ્રવેશ કરીને આલેખન કરવું પડે છે. આજે ગુજરાતી સાહિત્યમાં થોકબંધ બાળસાહિત્ય રચાય છે, પરંતુ ઘણી વાર બાળસાહિત્યનો સર્જક એના લેખનમાં જરૂરી ચીવટ દાખવતો નથી. ક્યારેક શબ્દગુચ્છો ઉછાળે છે, તો ઘણી વાર શબ્દને ખોટા લાડ લડાવીને શબ્દાળુતાને નિમંત્રણ આપે છે.

આ સંદર્ભમાં ડૉ. ઈશ્વર પરમારે એમના બાળસાહિત્યના શબ્દનો મહિમા કર્યો છે. એમના લેખનમાં ભાષા અંગેની એમની સતત જાગૃતિ તરત ધ્યાન ખેંચે છે. વાતને વધુ પડતી મલાવીને કહેવાને બદલે બાળકને સીધેસીધા એના વિશ્વમાં મૂકી આપે છે. પરિણામે એમની ભાષામાં એક પ્રકારની સુશ્લિષ્ટતા જોવા મળે છે. એક અર્થમાં કહીએ તો એક શિક્ષક વિદ્યાર્થીની ભાષા માટે જે ખેવના અને ચીવટ રાખે એવી ખેવના એમણે પોતાની બાળવાર્તાઓમાં રાખી છે. આ સમયે સ્વાભાવિક રીતે જ ગિજુભાઈનું સ્મરણ થાય છે. માત્ર એટલું ખરું કે ગિજુભાઈ પાસે એક કલ્પનાશીલતા હતી એવી કલ્પનાશીલતા સાથે ઈશ્વર પરમાર કામ પાર પાડતા નથી. બાળસાહિત્યના આ લેખકેબાળસાહિત્ય : વિચાર અને વિમર્શપુસ્તકમાં વિમર્શ માટે વિચારો મૂક્યા છે. એમણે બાળસાહિત્યના વસ્તુ, લેખન, ચિત્રાંકન - એ બધાં પાસાંઓની અહીં છણાવટ કરી છે. આ ચર્ચાઓમાં બાળસાહિત્યમાંથી ઉદાહરણો આપવાને બદલે એમણે વિશેષે પોતાનું હૃદૂગત પ્રગટ કર્યું છે.

બાળસાહિત્યનું બળ દર્શાવતી વખતે એમણે વર્તમાન મૂલ્યહાસના સમયમાં ચારિત્ર્યઘડતર માટે બાળસાહિત્યના માધ્યમની ઉપયોગિતાની જિકર કરી છે. બાળસાહિત્યના વસ્તુ વિશેસમયના ઍધાણને વર્તીને આલેખન થવું જોઈએ એવું કહે છે. અહીં એ સંદર્ભમાં કેટલાંક ઉદાહરણો આપ્યાં હોત તો વિષય જીવંત બની શક્યો હોત. આજનું વિશ્વ તીવ્ર ગતિએ પરિવર્તન પામી રહ્યું છે. સમૂહમાધ્યમોએ અને વિશેષે ટેલિવિઝને બાળમાનસ પર પ્રબળ અસર કરી છે. વળી કાર્ટુન ફિલ્મો અને કોમિક્સ બાળમાનસ પર છવાઈ ગયા છે.

 

એ હકીકત છે કે બાળક હાથમાં પુસ્તક રાખે તો વધુ આસાનીથી એનું ચિત્ત એમાં એકાગ્ર કરી શકે છે. એને વિશે વિચારવાની અને વાગોળવાની એને ક્ષણો મળે છે. તેમજ તે જાણવા અને સમજવા માટે જેટલો સમય જોઈએ તેટલો મેળવી શકે છે. જ્યારે કમ્પયુટરના સ્ક્રિન પર વાંચતા બાળકને જુદા જ અનુભવમાંથી પસાર થવું પડે છે. વળી એ સ્ક્રિન પર આવતી વિષયસામગ્રીને ઊંડાણથી વાંચવા માટે પણ એણે ઘણી મહેનત કરવી પડે છે. એક શબ્દ, પંક્તિ કે પૃષ્ઠ પર એકાગ્રતા સાધવી એ માટે મુશ્કેલ બને છે કે એ તરત જ બીજાં પાનાં પર દોડી જવાની ઉતાવળ કરતો હોય છે. આથી આ માધ્યમ એટલું પ્રવાહી, તરલ અને volatile છે કે જે વિચાર કરવા અંગેના પ્રયત્નને ઝાઝું પ્રોત્સાહિત કરતું નથી. Humanities એ મૂળભૂત રીતે માનવીય સાહસ સાથે સંકળાયેલી બાબત છે અને ગ્રંથાલયોમાં પુસ્તકરૂપે એની નોંધ થયેલી હોય છે. એ પુસ્તકમાંથી જ આપણે સત્યની ખોજ કરીએ છીએ, જ્ઞાનની શોધ આાદરીએ છીએ અને પ્રજ્ઞા પામવાનો પ્રયાસ કરીએ છીએ. આાવે સમયે આજના બાળકના ચિત્તને કયું કથાવસ્તુ સ્પર્શી શકે તેની ચર્ચા થવી જોઈએ. વળી, બાળમાનસમાં જુદાં જુદાં મૂલ્યો કઈ રીતે રોપી શકાય તે દર્શાવ્યું હોત તો આનંદ થાત. બાળવાર્તાની વસ્તુગૂંથણીમાં વસ્તુના ચયન અંગેની જિકર નોંધપાત્ર છે. તેઓ નોંધે છે કેવસ્તુગૂંથણી એવી ઢબે થવી જોઈએ કે બાળવાચકના ચિત્તમાંપછી શું પછી શું થયા કરે અને સાથોસાથ તેનો રસભરપૂર જવાબ પણ મળતો રહે. વિસ્મય જ માત્ર નહિ,  ઉત્તેજનાનો પણ સતત અનુભવ થતો રહે ને છેવટે બાળકને અખંડ આનંદનો અનુભવ થાય.

એ પછી બાળસાહિત્યના લેખન વિશે તેઓ સૂચન કરે છે કે, બાળમંડળ સમક્ષ મૌખિકરૂપે કૃતિ રજૂ કરીને બાળકોના પ્રતિભાવો મેળવ્યા બાદ એ માં જરૂરી ફેરફાર કરવા જોઈએ. બાળસાહિત્યમાં ચિત્રાંકન લેખમાં ડૉ. ઈશ્વર પરમાર ચિત્રાંકનોની શૈલી વિશે કશું કહેતા નથી, પરંતુ એને પરિણામે પુસ્તકની સરસતા વધે છે અને વસ્તુ સજીવન બની જાય છે તેમ નોંધે છે. બાળકની સંકલ્પનાના ઘડતરમાં ચિત્રાંકનોની અસરકારકતા જોવા મળે છે.

આ ગ્રંથમાં 1992-1993 અને 2001-2002ના બાળસાહિત્યનું સરવૈયું પણ આપ્યું છે. વળી, મોહનભાઈ શં. પટેલ અને હરીશ નાયકે મેળવેલી બાળસાહિત્યના ક્ષેત્રની સિદ્ધિઓનો ઉલ્લેખ કર્યો છે. આમાં આલેખાયેલી પ્રશ્નોત્તરીમાં ડૉ. ઈશ્વર પરમારના બાળસાહિત્ય વિશેના વિચારો પ્રગટ થાય છે અને ગિજુભાઈના વિચારો સાથેનું સાતત્ય જોઈ શકાય છે. મોહનભાઈ પટેલના પુસ્તકગુજરાતી બાળસાહિત્યનું દર્શનનો સંપાદકીય લેખ વિચારપ્રેરક છે. જ્યારે સ્વ. નાનાભાઈ ભટ્ટે લખેલું બાળચરિત્રહજરત મોહમ્મદ પયગંબર (સ.) ડૉ. રક્ષાબહેન દવેનો બાળવાર્તાસંગ્રહવ વાર્તાનો વ”, ડૉ. શ્રદ્ધા ત્રિવેદીના પુસ્તક ગુજરાતી બાળસાહિત્ય : ખંડ I અને 2’ જેવાં પુસ્તકોની સમીક્ષા ધ્યાન ખેંચે છે. આ ઉપરાંત નટવર પટેલનુંબાળનાટક ઝિંદાબાદ....’, હરીશ. નાયકનુંલો, આ રહ્યાં નાટકોને જાગૃતિ રામાનુજનુંવાર્તાનો વરસાદ પુસ્તકનું એમણે કરેલું વિવેચન ડૉ. ઈશ્વર પરમારની બાળસાહિત્ય વિશેની વિભાવનાના દ્યોતક છે. તેમની શિક્ષકની ગુણગ્રાહી દૃષ્ટિનો આમાંથી પરિચય થાય છે. આ વિવેચનમાં ડૉ. ઈશ્વર પરમારે બાળસાહિત્યનાં પુસ્તકોના ભાગ્યે જ થતાં વિવેચનોમાં એક નવી ભાત પાડી છે॰

ડૉ. ઈશ્વર પરમારે છ મૌલિક અને ચાર રૂપાંતરિત બાળવાર્તાના સંગ્રહો આપ્યા છે. બાળઉછેર વિશે પણ પુસ્તકો લખ્યાં છે. ચરિત્ર, લઘુકથા, પ્રસંગકથા ઉપરાંત શિક્ષણક્ષેત્રે પણ મહત્ત્વની ગ્રંથરચના કરી છે. અત્યારે બાળસાહિત્ય સંક્રાંતિની સ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે. એમાં નવું વિશ્વ, નવાં પાત્રો અને નવી શૈલી આવી ગયા છે ત્યારે ગુજરાતી બાળસાહિત્યની કેટલીક ઝાંખી આમાંથી મેળવી શકીએ છીએ. ડૉ. ઈશ્વર પરમાર પાસેથી આ ક્ષેત્રની વધુ ઊંડી તત્ત્વચર્ચા કરતું પુસ્તક મળે તેવી આશા સાથે આવા ઓછા ખેડાણ પામતા વિષય પર વિચાર-વિમર્શ કરવા માટે ધન્યવાદ આપું છું.


socialsharing+share

The Wall

No comments
You need to sign in to comment

પોસ્ટ

Rate

Your rate:
Total: (0 rates)

Archives